logo

દેશની લોકસભાની વર્ષ 2024 ની ચૂંટણીના અનુસૂચિત જાતિ વર્ગના 24 મુદ્દા સરકાર જવાબ આપે સત્તાનો સવાલ

*દેશની લોકસભાની વર્ષ 2024ની ચૂટણીના અનુસૂચિત જાતિ વર્ગના ચોવીસ મુદ્દા-સરકાર જવાબ આપે-સતાને સવાલ*

ડો. બાબા સાહેબ આંબેડકરને સરકાર રાષ્ટ્રીય નેતા જાહેર કેમ કરતી નથી? રાષ્ટ્રીય નેતાઓની યાદીમાંથી નામની બાદબાકી કેમ? સરકારી અને શૈક્ષણિક કચેરીઓમાં છબી મુકવાના ઠરાવમાં ફેરફાર કેમ કરવામાં આવતો નથી?
અનુસૂચિત જાતિ પેટા યોજના(SCSP-સિડ્યુલ કાસ્ટ સબ પ્લાન) અને અનુસૂચિત જન જાતિ પેટા યોજના(TSP-ટ્રાયબલ સબ પ્લાન)નો કાયદો કેમ બનાવવામા આવતો નથી?
સરકારી નોકરી કરતા અનુસૂચિત જાતિ અને જન જાતિના લોકો માટે રોસ્ટર એક્ટનો કાયદો કેમ બનાવવામાં આવતો નથી?
સરકારી નોકરીઓમાં ખાલી પડેલ હજજારો જગ્યાઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ તેમજ ઓબીસીના બેરોજગાર યુવાનો માટે ખાસ ભરતી ઝુંબેશ શરૂ કરી સરકાર ભરતી કરી નોકરી કેમ આપતી નથી?
અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ અને ઓબીસીના વિદ્યાર્થીઓને સમયસર સ્કોલરશીપ કેમ આપવામાં આવતી નથી?
અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ અને ઓબીસીના ભૂમિહીન લોકોને ઘરથાળની મફત પ્લોટની જમીન આપવાની કેમ બંધ કરવામાં આવેલ છે? મફત પ્લોટ કેમ આપવામાં આવતા નથી?
અનુસૂચિત જાતિના ભુમીહીન લોકોને ગામે આજીવિકા માટે ખેતીની જમીન આપવાની સદંતર કેમ બંધ કરવામાં આવેલ છે?
અનુસૂચિત જાતિ(SC)ના લોકોના વ્યક્તિગત અને સામુહિક વિકાસ માટે ભારત સરકારના પ્લાનિંગ કમિશનની 1979 ની ગાઈડલાઈન પ્રમાણે કેન્દ્ર અને રાજ્ય સરકારના બજેટમાં અનુક્રમે 14% અને 7% ની રકમ કેમ ફાળવણી કરવામાં આવતી નથી?
અનુસૂચિત જન જાતિ(ST)ના લોકોના વ્યક્તિગત અને સામુહિક વિકાસ માટે ભારત સરકારના પ્લાનિંગ કમિશનની 1979 ની ગાઈડલાઈન પ્રમાણે કેન્દ્ર અને રાજ્ય સરકારના બજેટમાં અનુક્રમે 7% અને 14% ની રકમ કેમ ફાળવણી કરવામાં આવતી નથી?
વર્ષ 2012 માં થયેલ થાનગઢ કાંડમાં ત્રણ દલિત યુવાનીના ગોળીબારમાં થયેલ મોતના મામલે નિમેલ સંજય પ્રસાદ તપાસ પંચની કમિટીનો રિપોર્ટ કેમ જાહેર કરવામાં આવતો નથી?
અનુસૂચિત જાતિના લોકો પર થતા ગંભીર અત્યાચારોના બનાવમાં મુખ્યમંત્રી, ડિજિપી, એડિશનલ ડિજિપી, સમાજ કલ્યાણ મંત્રી, ગૃહ મંત્રી, નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ કેમ મુલાકાત લેતા નથી?
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ(અત્યાચાર અટકાવ) અધિનિયમ 1989ના નિયમો 1995 ના નિયમ 16 મુજબ અત્યાચાર ધારાના અમલીકરણની સમીક્ષા કરવા માટે વીસ સભ્યોની હાઈ લેવલની રાજ્ય તકેદારી અને મોનીટરીંગ સમિતિની રચના હજુ સુધી કેમ કરવામાં આવેલ નથી?
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના રક્ષણ માટે કેન્દ્ર સરકારે ઘડેલ અત્યાચાર ધારાનું અમલીકરણ કરવા માટે સમીક્ષા કરવા નિયમ 16 મુજબ દર વર્ષે બે વાર મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મિટિંગ કેમ બોલાવવામાં આવતી નથી?
“આભડછેટ મુક્ત ભારત” બને તે માટે સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી ?
ગંભીર અત્યાચારનો ભોગ બનેલ પીડિતોનું અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ(અત્યાચાર અટકાવ) અધિનિયમ 1989ના નિયમો 1995 ના નિયમ 15 મુજબ શા માટે પુન :વસન કરવામાં આવતું નથી?
આભડછેટ નાબુદી માટેનો ભારતની સંસદનો પ્રથમ કાયદો “નાગરિક હક્ક સંરક્ષણ અધિનિયમ 1955”ની અમલવારી કેમ થતી નથી?
અનુસૂચિત જાતિના લોકો અને મંડળીઓને આજીવિકા રળવા માટે ફાજલ/ટોચની /સાથણી/ભૂદાનની ફાળવેલ જમીન હજુ સુધી કેમ લાભાર્થીઓને મળેલ નથી? માથાભારે લોકોના દબાણો કેમ દૂર થતા નથી? જમીન કાગળ પર જ કેમ ફાળવેલ છે? જમીનના કબ્જા કેમ આપવામાં આવતા નથી?
અનુસૂચિત જાતિના લોકો માટે શૈક્ષણિક અને અન્ય સરકારી લાભ લેવા માટે આવક મર્યાદા 8 લાખ સુધી વધારવામાં કેમ આવતી નથી?
ગુજરાત રાજ્યની આઠેય મહાનગર પાલિકાઓમાં બોમ્બે પ્રોવિઝનલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ-1949 ( BPMC Act 1949)ની કલમ 63(2)હેઠળની કાયદાકીય જોગવાઈઓનું કડકપણે અમલીકરણ કેમ કરવામાં આવતું નથી?અનુસૂચિત જાતિ, જન જાતિ અને પછાત વર્ગ(બક્ષી પંચ) ત્રણે વર્ગોના આર્થિક અધિકારોનું હનન કેમ અટકતું નથી?
ગુજરાત રાજ્યના એવા ગામોમાં જ્યાં અનુસૂચિત જાતીની વસ્તી છે ત્યાં અનુસૂચિત જાતિના લોકો માટે સ્મશાનની જમીન લેન્ડ રેવન્યુ કોડની જોગવાઈઓ મુજબ કેમ નીમ કરવામાં આવતી નથી? સ્મશાનો કેમ બદત્તર હાલતમાં સુવિધાથી વંચિત રાખવામાં આવેલ છે?
એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં આ ખાસ કાયદામાં જોગવાઈ ન હોવા છતાંય(એટ્રોસિટીના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને જામીન આપતાં પહેલા કોર્ટે સાંભળવા ફરજીયાત છે)તપાસ અધિકારી દ્વારા 41(ડી) હેઠળની જોગવાઈ મુજબ નોટિસ આપી આરોપીને ટેબલ/જાત જામીન પોલીસ સ્ટેશનમાંથી જ આપી દેવામાં આવે છે છતાંય સરકાર કોઈપણ જાતિના પગલાં ભરી તપાસ અધિકારીઓને આવું કરતા કેમ રોકતી નથી?
અનુસૂચિત જાતિ, જન જાતિ અને ઓબીસી વર્ગના લોકો માટે ખાનગી સાહસો/ખાનગી મંડળીઓ/ખાનગી બેંક/ખાનગી ઉદ્યોગોમાં અનામત કેમ આપવામાં આવતું નથી?
અનામતને નીરસ્ત કરવા આઉટ સોર્સીંગ, કરાર આધારિત, ફિક્સ પગારમાં એજન્સીઓ દ્વારા કર્મચારીઓની ભરતી કેમ કરવામાં આવે છે? અનામતની નીતિનો અમલ કેમ કરવામાં આવતો નથી? અનામતને હટાવવા માટેનું આ ષડયંત્ર કેમ ચાલુ રાખવામાં આવેલ છે?
ગટરમાં સફાઈ કામદારોના મોતને કેમ અટકાવવામાં આવતા નથી? માથમેલું કાયદાનો અમલ કેમ કરવામાં આવતો નથી, મ્યુનિસિપલ કમિશ્નર, ચીફ ઓફિસરો સામે બેદરકારીની ફરિયાદ(FIR)કેમ કરવામાં આવતી નથી? ગટર સાફ કરવા માટે રોબોટની ખરીદી કેમ કરવામાં આવતી નથી? સુરત અને ગાંધીનગર ખાતે AMC એ ખરીદેલ રોબોટનો ઉપયોગ કેમ કરવામાં આવતો નથી?

16
3537 views
1 comment  
  • Joshi Harshadkumar Govindjibhai

    જે સરકાર / લોક પ્રતિનિધિ લોકો / મતદાર ના કાબુ મા ના હોઇ તે ને બદલવામાં ભલાઈ છે.